Tuesday, August 9, 2016

આખા દિવસ કામ કરીને થાકી ગયા હોવ તો ટ્રાય કરો આ ઈન્સ્ટન્ટ વાનગીઓ!

ક્યારેય ક્યારેક ઓફિસમાં આખો દિવસ કામ કર્યા પછી થાક લાગે છે અને રાતે રસોઈમાં કંઈ બનાવવાની ઈચ્છા નથી થતી. ત્યારે એવું મેનું હોવું જોઈએ જે ફટાફટ બને અને મોટાથી લઈને નાનાને બધાને ભાવે. આજે તમારા માટે આવી જ ટેસ્ટી અને હેલ્ધી વાનગીઓ લઇને આવ્યા છીએ. જે તમારા આરામની સાથે હેલ્ધી ડાયટ જાળવી રાખવામાં પણ મદદ કરી શકે છે. તો નોંધી લો ફટાફટ બનતી ક્વિક વાનગીઓની રેસિપિ...
કોર્ન ઇડલી
સામગ્રી
-દોઢ કપ કોર્ન
-પોણો કપ અડદની દાળ
-એક ટીસ્પૂન ચણાની દાળ
-એક નંગ લીલાં મરચાં
-બે ટીસ્પૂન નારિયેળ
-એક ટીસ્પૂન રાઈ
-અડધી ટીસ્પૂન હિંગ
-એક ટીસ્પૂન સમારેલી કોથમીર
-બે ટીસ્પૂન તેલ
-મીઠું સ્વાદ પ્રમાણે


રીત
સૌથી પહેલાં કોર્ન અને અડદની દાળને 2 કલાક પાણીમાં પલાળી દો. પછી તેને શેકેલી ચણાની દાળ અને લીલાં મરચાંની સાથે વાટી લો. એકદમ ઝીણા પીસેલા મિશ્રણમાં મીઠું અને છીણેલું નારિયેળ નાખી ખીરું તૈયાર કરી લો.  હવે એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ અને હિંગ નાખી તતડવા દો. રાઈ તતડી જાય એટલે તેને ઈડલીના ખીરામાં નાખી તેનો વઘાર કરી લો. ત્યારબાદ ઈડલીના સ્ટેન્ડમાં સહેજ તેલ લગાવી એક ચમચો ઈડલીનું ખીરું મૂકી તેને વરાળે બાફી લો. ઈડલી બફાઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી ગરમ ગરમ સર્વ કરો.


ઈન્સ્ટન્ટ પૂરણપોળી
સામગ્રી
-અઢીસો ગ્રામ ગળી બુંદી
-સો ગ્રામ માવો
-અઢીસો ગ્રામ ઘઉંનો લોટ
-એક ચમચા ખાંડ
-એક ચમચી બદામનો ભૂકો
-એક ચમચી પિસ્તાનો ભૂકો
-અડધી ચમચી એલચીનો ભૂકો
-ઘી
-તેલ
-દૂધ
-કેસર
-એલચી દાણા

રીત
સૌ પ્રથમ ગળી બુંદીનો ઝીણો ભૂકો કરવો. એક વાસણમાં થોડું ઘી ગરમ કરવું. તેમાં એલચીના દાણા નાંખી, છૂટો કરેલો માવો અને ખાંડ નાંખી, બરાબર એકરસ થાય એ રીતે મિક્સ કરવું. ત્યારબાદ તેમાં બુંદીનો ભૂકો, બદામ-પિસ્તાનો ભૂકો, એલચીનો ભૂકો અને કેસરને સાધારણ ગરમ કરી, દૂધમાં ઓગાળી નાંખવું. બરાબર ઘટ્ટ થઈ જાય એટલે ઉતારી લેવું. હવે ઘઉંના લોટમાં થોડું તેલનું મોણ નાંખી, કણક બાંધી, એક કલાક રહેવા દેવી. પછી બરાબર મસળી તેમાંથી રોટલી વણી, પૂરણ મૂકી, ગોળવાળી પૂરણ પોળી વણી લેવી. તવા ઉપર બંને બાજુ શેકી ઉતારી લેવી. ઘી લગાડી ગરમાગરમ સર્વ કરવી.


સેવ ઉસળ
સામગ્રી
-એક કપ સફેદ વટાણા
-ત્રણ ટામેટા
-આદું-મરચાં-લસણની પેસ્ટ
-ત્રણ તજ લવિંગના ટુકડા
-એક ટીસ્પૂન જીરું લીમડો
-અડધી ટીસ્પૂન હીંગ
-એક ટીસ્પૂન જીરું
-મીઠું સ્વાદ અનુસાર
-એક ટીસ્પૂન મરચું
-એક ટીસ્પૂન ધાણાજીરુ
-એક ટીસ્પૂન ગરમ મસાલો
-લીંબુનો રસ
-ડુંગળી ઝીણી સમારેલી
-ખજૂર આમલી લસણની ચટણી
-ઝીણી સેવ

રીત
સૌ પ્રથમ વટાણાને ચાર કલાક માટે પલાળી દો. ત્યારબાદ તેને પ્રેશરકુકરમાં છુટા જ બાફવા મૂકો. તેમાં થોળી હળદર, મરચું મીઠું ધાણા જીરું ઉમેરવાં અને ચાર સીટી વગાડવી. એક કડાઈમાં તેલ મુકી તેમાં તજ લવિંગ, જીરું, હિંગ, આદુ, મરચા લસણની પેસ્ટ ઉમેરો. ટામેટાની ગ્રેવી નાંખો તેમાં બધો જ મસાલો ઉમેરો. હવે તેમાં વટાણા ઉમેરો અને તેમાં થોડુ પાણી ઉમેરી ઘટ તૈયાર કરો. સેવ ઉસળ જમતા સમયે જ ઉસળ ઉપર ઝીણી સેવ ભભરાવવી. ડિશ સર્વ કરતાં પહેલાં કોથમીર, લાલ લીલી ચટણી, ડુંગળી ટામેટાથી ગાર્નિશ કરી સેવ ઉસળ સર્વ કરો. તમે તેની સાથે પાઉં પણ સર્વ કરી શકો છો.


આલુ ટિક્કી
સામગ્રી
-બે બાફેલા બટાકા
-બે ચમચા ઝીણી સમારેલી કોથમીર
-એક ચમચી જીરું
-બે ઝીણા સમારેલા મરચા
-ચપટી હિંગ
-અડધી ચમચી લાલ મરચું
-બે ચમચા બેસન
-મીઠું સ્વાદ અનુસાર
-તેલ શેલો ફ્રાય માટે

રીત
બાફેલા બટાકામાં બધી વસ્તુઓ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણમાંથી ટિક્કી બનાવી લો અને તેને શેલો ફ્રાય કરી લો. બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન શેકાય જાય એટલે પ્લેટમાં સર્વ કરી દો. ઈચ્છો તો તમે આલુ ટિક્કીમાં આદુ અને ઝીણી સમારેલી ડુંગળી પણ ઉમેરી શકો છો.


ભાખરી પિઝા
સામગ્રી
-પાંચ ચમચા ઘઉંનો લોટ
-એક કપ સોસ
-બે ક્યૂબ ચીઝ
-એક ટામેટુ
-એક ડુંગળી
-એક કપ ગ્રીન ચટની
-એક કેપ્સિકમ
-એક ચમચા લાલ મરચું
-મીઠું સ્વાદ અનુસાર
રીત
સૌ પ્રથમ ઘઉંના લોટમાં સ્વાદ અનુસાર મીઠું અને મરચું ભેળવી કઠણ કણક તૈયાર કરો. આ કણકના લુવા પાડી લો. તેમાંથી એક મોટો અને જાડો રોટલો તૈયાર કરો. હવે આ રોટલો ઓવનમાં શેકો ઓવન ન હોય તો તમે નોનસ્ટીક પર વાસણ ઢાંકી રોટલો ભાખરી જેવો કડક શેકી શકો છો. હવે આ રોટલા પર ગ્રીન ચટણી અને સોસ લગાવો. તેની ઉપર ડુંગળી, ટામેટા અને કેપ્સિકમના ઝીણા ટુકડા ઉમેરો. હવે ચીઝ છીણીને પાથરો. આ રોટલાને ફરી એક વખત ગેસ પર ઢાંકીને મુકો, જ્યાં સુધી ચીઝ મેલ્ટ ન થાય ત્યાં સુધી તેને ગરમ થવા દો. આ ગરમ ગરમ ભાખરી પીઝા તમારા બાળકને સર્વ કરો. જો તમારા ઘરે વધેલી ભાખરી પડી હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો.

0 comments:

Post a Comment